પીરિયડ્સ દરમિયાન કેવી કસરત કરવી અને કેવો ખોરાક લેવો જોઇએ?

જ્યારે કોઈપણ છોકરીને પીરિયડ્સ શરૂ થાય તો એને ખૂબ જ અકળામણ થતી રહે છે. એક તો આ અનુભવ તદ્દન નવો હોય છે અને એમાં દુખાવો થતો રહે એનો ખૂબ જ કંટાળો આવે છે. સાથે જ હોર્મોન્સની શરીરમાં દોડાદોડ ચાલતી હોવાથી મનમાં ન સમજાય એવા ભાવ જાગે છે અને મૂંઝવણ થયા કરે છે. શું કરવું એ સમજાતું નથી, કોઈને પૂછતાં શરમની લાગણી થયા કરે છે. અહીં આવી છોકરીઓને ખાસ સલાહ છે કે જે ભણેલા-ગણેલા હોય એવા કોઈપણ પરિવારજનને આ વિશે દિલ ખોલીને બધું પૂછી લેવું. માતા શિક્ષિત હોય તો એને જ બધું પૂછી લેવું. જરૂરી બધી વાતના ખુલાસા થઈ જાય તો મનમાં વિશ્વાસ જન્મે છે. એ પછી પીરિયડ્સ એટલા કંટાળાજનક નથી રહેતા.

જેમને પીરિયડ્સ ચાલુ થઈ ગયા છે અને તેનો અનુભવ છે એવી યુવતીઓને પણ પીરિયડ્સ દરમિયાન જે દુખાવો અને મૂંઝવણ થાય છે એ ગમતાં નથી. એમાં શરીરમાં ચાલતી હોર્મોનની દોડાદોડ તો રોકી ન શકાય, પરંતુ એ વખતે ખાવાપીવામાં અને કસરતમાં ધ્યાન રાખવામાં આવે તો એ બધી તકલીફો સાવ નહીંવત્ થઈ જાય છે.

પીરિયડ્સ વખતે હૂંફાળા પાણીથી નહાવાનું રાખવું. એથી તાજગીનો અનુભવ થશે અને શરીરમાં ચાલતી હોર્મોનની તડાફડીના કારણે જન્મતી અનોખી ગંધ પણ દૂર થઈ જશે. કોઈપણ જાતનું ટેન્શન અને બીક મનમાં ન રાખવા. બને એટલું ચાલવાનું રાખવું અને હળવી એરોબિક કસરત કરવી. શરીરના કોઈપણ ભાગમાં હળવી પીડાની ધ્રુજારીનો અનુભવ થતો હોય તો ગરમ પાણી ભરેલી બોટલ એ ભાગ પર દબાવી રાખવી. આટલું કરવાથી પીરિયડ્સની પીડામાં ખાસ્સી રાહત જણાશે.

સ્વચ્છતા માટે દરેક વખતે જ્યારે તમે સેનિટરી પેડ કે નેપ્કિન બદલો ત્યારે હાથ સાબુથી અચૂક ધોવા.

પીરિયડ્સના દિવસો દરમિયાન ખોરાકમાં મીઠું વધારે ન ખાવું. પાણી ભરપૂર પીવું. ઓછું પીવાની ટેવ હોય તો પણ આ દિવસોમાં વધારે પાણી પીવું. જ્યારે જ્યારે બાથરૂમ જવાની જરૂર ઊભી થાય ત્યારે તરત જ બાથરૂમ જઈ આવવું. પાણી ઓછું પીવાથી અને બાથરૂમ જવાનું રોકી રાખવાથી ઈન્ફેક્શન થઈ જશે અને પીરિયડ્સમાં લોહી વધારે પડતું રહેશે.

પીરિયડ્સમાં આમ તો સેનિટરી નેપ્કિન વાપરવું જ સૌથી સલામત હોય છે અને હવે તો સાવ સસ્તા ભાવે નેપ્કિન મળતાં થઈ ગયાં છે. છતાં સુતરાઉ કાપડ વાપરતા હોવ તો તદ્દન સ્વચ્છ કાપડ જ વાપરવું અને એક કાપડ એક જ વખત વાપરવું.

ખાવાની વાત કરીએ તો આ સમયે ડાર્ક ચોકલેટ જે સ્વાદે જરાક કડવી હોય છે એ દિવસમાં અડધી કે એક ખાસ ખાવી. એમાં મેગ્નેશિયમ હોય છે જે સેરેટોનિન હોર્મોનનું નિયંત્રણ કરે છે. આ હોર્મોન આનંદનો અનુભવ કરાવે છે.

બ્રોકોલી અથવા ફ્લાવરમાં મેગ્નેશિયમ, પોટેશિયમ, કેલ્શિયમ અને વિટામિન એ, સી, બી૬ અને ઈ હોય છે. ખાવામાં ફ્લાવર કે બ્રોકોલી લેવાથી મૂડ સારો રહેશે, થાક ઓછો લાગશે અને નિરાશા કે હતાશાની લાગણીથી બચી જશો.

ફળ ખાવાથી શરીરને કુદરતી સ્વરૂપમાં શર્કરા મળતી રહેશે અને ઊર્જા તથા ઉત્સાહનો અનુભવ થતાં થાક, પીડાનો અનુભવ ઓછો થશે. તડબૂચ, અંજીર, વિવિધ પ્રકારના બોર કુળનાં ફળ જેમ કે, બ્લૂ બેરી, બ્લેક બેરી, બોર, સફરજન વગેરે તમને અનુકૂળ ફળ લઈ શકો. કેળું ખાવાથી સૌથી વધુ મૂડ સુધરશે, કારણ કે એમાં વિટામિન બી૬ હોય છે. ઉપરાંત પોટેશયમ, મેગ્નેશિયમ પણ હોય છે જે શરીરમાં પાણીને નિયંત્રિત કરે છે તેથી પાણી અને વાયુના કારણે થતો સ્નાયુઓ દુખાવો દૂર થઈ જાય છે.

નારંગી, મોસંબી, લીંબુ નિયમિત ખાવાથી શરીરને વિટામિન સી અને કેલ્શિયમ મળે છે. તેથી પીરિયડ્સ દરમિયાન થતી બેચેની અને દુખાવો બિલકુલ ઓછો થઈ જાય છે. જાણે કોઈ પીડા રહેતી જ નથી.

રોજના ખોરાકમાં એકાંતરે દિવસે પાલક, તાંદળજો અને મેથીની ભાજી ખાવાનું રાખવાથી શરીરમાં લોહતત્ત્વ વધે છે. તેથી આખા શરીરમાં વધારે ઓક્સિજન પહોંચે છે અને થાક કે બેચેનીનો જરાય અનુભવ થતો નથી.

હવે વાત કરીએ એવી વાનગીઓ અને પદાર્થોની જે પીરિયડ્સ દરમિયાન બિલકુલ ન ખાવા જોઈએ. આ ખોરાક તમારી પીડા અને બેચેની તથા હતાશા વધારીને પીરિયડ્સનો સમય કંટાળાજનક અને અસહ્ય બનાવી દે છે. આવા ખોરાકમાં સૌથી પહેલાં તો બહારની તૈયાર કોઈપણ વાનગી ન ખાવ. બ્રેડ, પાંઉં, બિસ્કિટ્સ, કૂકિઝ(નાનખટાઈ) વગેરે જેવી બેકરી આઈટમ બિલકુલ બંધ કરી દો. એના બદલે ઈડલી, ભાત, લાપશી, ફાડા, પાસ્તા વગેરે ખાઈ શકાય. આ બધી વાનગીઓ પણ તળેલી ન ખાવી. તળેલી વાનગી તમારી સમસ્યા અને પીડા વધારશે.

કોઈપણ પ્રકારનું કઠોળ પીરિયડ્સના દિવસોમાં ન ખાવ. એકાદ-બે દિવસ પહેલાંથી બંધ કરી દો અને પીરિયડ્સ પૂરા થયાના એક-બે દિવસ પછી ખાવાનું શરૂ કરો.

કોઈપણ જાતનું એરેટેડ એટલે કે કાર્બન ડાયોક્સાઈડ ઉમેરેલું પીણું જેમ કે, કોક, લેમન, પેપ્સી વગેરે કોઈ પીણું પીરિયડ્સના સમય દરમિયાન બિલકુલ ન પીવું

Advertisements

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *