લ્યો બોલો પાકિસ્તાનની પોલીસ પણ 27 લાખની બિરિયાની ઝાપટી ગઈ, ન્યુઝીલેન્ડની ટીમની સુરક્ષા દરમ્યાન

ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમ (New Zealand Cricket Team) તાજેતરમાં પાકિસ્તાન પ્રવાસે (Pakistan Tour) ગઈ હતી. તેને ત્યાં વનડે અને T20 શ્રેણી રમવાની હતી. ત્યારબાદ ન્યુઝીલેન્ડે સુરક્ષા કારણો દર્શાવીને પ્રવાસ પાછો ખેંચી લીધો અને રદ કર્યો હતો. આ મામલે ભારે હંગામો પણ મચ્યો હતો. પાકિસ્તાન દ્વારા ન્યૂઝીલેન્ડ પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો. પરંતુ હવે આ પ્રવાસ સંબંધિત એક અનોખો ખુલાસો જોવા મળી રહ્યો છે. મીડિયા રિપોર્ટમાં સામે આવ્યુ છે કે, ઈસ્લામાબાદ પોલીસે (Islamabad Police) ન્યૂઝીલેન્ડની ટીમના આઠ દિવસના પાકિસ્તાનમાં રોકાણ દરમિયાન 27 લાખ રૂપિયાની બિરયાની ઝાપટી લીધી હતી.

અહેવાલમાં કેહવામાં આવ્યું છે કે ન્યૂઝીલેન્ડની ટીમ તેમના પ્રવાસના ભાગરૂપે ઇસ્લામાબાદની હોટલમાં રોકાઈ હતી. અહીં ખેલાડીઓની સલામતી માટે ઈસ્લામાબાદ કેપિટલ ટેરિટરી પોલીસ તૈનાત કરવામાં આવી હતી. આ અંતર્ગત 500 પોલીસકર્મીઓની ડ્યૂટી હોટલ પર લાગેલી હતી. જેમાં પાંચ એસપી અને કેટલાક એસએસપીનો સમાવેશ થાય છે. આ પોલીસકર્મીઓના ભોજનનો ખર્ચ 27 લાખ રૂપિયા આવ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સુરક્ષામાં તૈનાત પોલીસકર્મીઓ દિવસમાં બે વખત ભોજન આપવામાં આવતુ હતુ. જેમાં બિરયાની પણ પિરસવામાં આવતી હતી. જેનું બિલ 27 લાખ રૂપિયા થયુ છે.

આ બાબત ત્યારે પ્રકાશમાં આવી જ્યારે બિલ પાસ કરવા માટે નાણાં વિભાગને મોકલવામાં આવ્યું હતુ. અહીં ચકાસણી દરમ્યાન આટલી મોટી રકમ પ્રકાશમાં આવી હતી. જોકે બિલ અટકાવી દેવામાં આવ્યું છે. તે હજી સુધી પાસ થઇ શક્યુ નથી. કિવી ખેલાડીઓની સુરક્ષા માટે સરહદ કોન્સ્ટેબ્યુલરીના જવાનો પણ તૈનાત કરવામાં આવ્યા હતા. હજુ તેમના ભોજનનું બિલ આવવાનું બાકી છે. તેમનુ ભોજન અલગથી આવે છે.

કિવી ટીમ 18 વર્ષ બાદ પાકિસ્તાન ગઈ હતી
ન્યૂઝીલેન્ડની ટીમ 18 વર્ષ બાદ પાકિસ્તાન પ્રવાસે ગઈ હતી. ટીમમાં મુખ્ય ખેલાડીઓ નહોતા અને ઘણા નવા ચહેરા સામેલ કરવામાં આવ્યા હતા. પરંતુ ક્વોરન્ટાઇ અને પ્રેક્ટિસ પછી, જે દિવસે મેચ યોજાવાની હતી. તે જ દિવસે પ્રવાસ રદ કરવામાં આવ્યો હતો. ન્યૂઝીલેન્ડ તરફથી કહેવામાં આવ્યું હતું કે તેને ધમકીઓ મળી છે. જોકે, પાકિસ્તાને આ પ્રવાસ રદ્દ કરવાનો સખત વાંધો ઉઠાવ્યો હતો. બોર્ડે કહ્યું હતું કે કિવી ખેલાડીઓને કેવા પ્રકારની ધમકીઓ મળી છે તે પણ તેમને જણાવવામાં આવ્યું ન હતું. બંને ટીમો વચ્ચે રાવલપિંડીમાં મેચ રમાવાની હતી.

Advertisements

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *