ગુજરાતમાં શહેરીકરણ અન્ય રાજ્યો કરતાં વધારે છે. ગુજરાતમાં નાનામોટા અનેક શહેરો આવેલા છે. તેમાં આપણે આજે વાત કરીશું ગુજરાતના બે મુખ્ય શહેરોની. અમદાવાદ અને સુરત. અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું અને સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર છે તો સુરત ગુજરાતનું બીજા નંબરનું મોટું અને વસ્તી ધરાવતું શહેર છે.

હવે આ બન્ને શહેરોમાંથી રહેવા માટે કયું શહેર શ્રેષ્ઠ છે તે તો દરેકના વ્યક્તિગત સ્વભાવ, રહેણીકરણી, જરૂરિયાત અને વ્યવસ્થા પર આધાર રાખે છે પરંતુ લોકોની પસંદગીના ધોરણોના આધારે એક રિપોર્ટ અમે તૈયાર કર્યો છે. તેમાં સરેરાશ દરેક પ્રકારના, સમૂહના, ક્ષેત્રના, છેડાના લોકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખવામાં આવી છે અને આપની સમક્ષ રજુ કરીએ છીએ.

વિસ્તાર અને વસ્તી: તો અલગ અલગ વાત ના કરતાં બન્ને શહેરોની વાત સાથે જ કરીએ તો અમદાવાદ શહેરની વસ્તી આજની તારીખમાં ૭૨ થી ૭૫ લાખ જેટલી થઇ ગઈ હશે, સુરતની વસ્તી ૫૫ થી ૫૮ લાખ થઇ ચુકી હશે, તેમજ આસપાસના સેન્ટર અને બહારથી અપડાઉન કરીને રોજગારી મેળવવા રોજબરોજ આવનારા અલગ.

ટ્વીન સિટી: તો અમદાવાદ સાથે જોડાયેલું સિટી છે ગાંધીનગર અને સુરત સાથે જોડાયેલું છે ટ્વીન સિટી. તો આ ટ્વીન સિટી ફેક્ટરમાં અમદાવાદ – ગાંધીનગર ઘણા આગળ રહેશે. નવસારી હજુ નગરપાલિકા છે જયારે ગાંધીનગર મહાનગરપાલિકા છે.

ગાંધીનગરમાં તો સીધી જ વાત છે પાટનગર છે અને ઉચ્ચ કક્ષાના અધિકારીઓ રહે છે એટલે દરેક પ્રકારની સુવિધા, સ્વચ્છતા અને વિકાસ હોય એટલે એનો લાભ સીધો અમદાવાદને મળે છે અને ટ્વીન સિટીની દ્રષ્ટીએ અમદાવાદ – ગાંધીનગર ઘણા આગળ નીકળી જાય છે.

તો અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે હવે તમને કોઈ અંતર જ ના લાગે, બન્ને વચ્ચે ઇમારતો અને સ્કીમો જોવા મળી જ જાય એટલે એક જ શહેરમાં ફરતાં હોવ તેમ લાગે પરંતુ હજુ નવસારી અને સુરત અંતર લાગે તેમજ ટ્રાન્સપોર્ટેશનની પણ સર્વિસ અમદાવાદ – ગાંધીનગર જેટલી નથી.

ટ્રાન્સપોર્ટેશન: અમદાવાદમાં AMTS (સિટી બસ) અને બી.આર.ટી.એસ. ની સર્વિસ છે, તો મેટ્રો હજુ બની રહી છે. સુરતમાં સિટી બસ અને બી.આર.ટી.એસ.ની સર્વિસ છે.

અમદાવાદમાં પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો રોજબરોજ ઉપયોગ ૧૦ લાખ કરતાં પણ વધુ લોકો કરે છે, તો સુરતમાં દોઢથી બે લાખ લોકો વધીને સિટી બસ અને BRTS નો ઉપયોગ કરે છે.

નોંધનીય છે કે BRTS ની સુવિધા અમદાવાદમાં ૧૩૩ કિમી સુધી વિસ્તરી ગઈ છે, તેમજ સુરત કરતાં વધારે ફ્રિકવન્સી સાથે તથા વધારે પેસેન્જર્સને સમાવે છે.

આ ઉપરાંત સુરતમાં ૫૦ હજાર જેટલી ઓટો રીક્ષા છે અને અમદાવાદમાં રીક્ષાઓનો આંકડો દોઢ લાખને પાર થઇ જાય છે. અમદાવાદમાં પ્રાઈવેટ વાહનોનું ચલણ વધ્યું હોવા છતાં એક મોટો વર્ગ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે છે. આમ ઇન્ટરનલ ટ્રાન્સપોર્ટેશનની સુવિધામાં અમદાવાદ ઘણું આગળ છે.

હવે વાત કરીએ એસટીની તો અમદાવાદમાં આવેલું ગીતા મંદિર બસસ્ટેન્ડ જ ચાડી ખાય છે કે તે કેટલું વિસ્તરેલું હશે. અમદાવાદ રાજ્યની એકદમ મધ્યમાં હોવાને કારણે દરેક દિશામાં જતી લાંબા રૂટની બસ અમદાવાદ થઈને જ જાય.

તેમજ અમદાવાદની પણ વસ્તીને ધ્યાનમાં રાખીને ઘણી મોટી સંખ્યામાં બસોની ફ્રિકવન્સી રહે છે. આમ રાજ્યના દરેક છેવાડે જવા માટે પણ બસ તેમજ પ્રાઈવેટ વાહનોની સુવિધા અને ઉપ્લ્બ્ધિતા અમદાવાદમાં વધુ જોવા મળે.

ટ્રેનની વાત કરીએ તો તે પણ અમદાવાદનું કાળુપુરનું ગુજરાતનું સૌથી મોટું સ્ટેશન જ સાબિત કરે છે કે ટ્રેનની સુવિધા પણ અમદાવાદને ઘણી મોટાપાયે છે, તો જો કે અમદાવાદથી મુંબઈની તેમજ દક્ષિણ ભારતની ટ્રેનો સુરત થઈને જ જતી હોવાથી ગુજરાતથી દક્ષિણ દિશા જતી ટ્રેનોની ક્નેક્ટીવીટી સુરતને સારી એવી છે, આ ઉપરાંત ઉત્તર ભારતીય વસ્તીને કારણે ઉત્તર ભારતની પણ ઘણી ટ્રેનોની અવરજવર રહે છે.

એરપોર્ટમાં હજુ સુરતને સરકારના અન્યાયના કારણે જરૂર હોવા છતાં ફ્રિકવન્સી નથી મળી રહી તો એરપોર્ટ પણ ઘણું સીધું સાદું અને સામાન્ય છે. તો અમદાવાદ ડોમેસ્ટિક એરપોર્ટ ખુબ જ વિશાળ અને શાનદાર છે, ત્યાંથી ભારતના દરેક છેડાની સીધી ફ્લાઈટ ફૂલ ફ્રિકવન્સીમાં મળી રહે છે, તો અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પણ ખુબ જ સુંદર છે.

દુનિયાના ઘણા દેશોની ફ્લાઈટની કનેક્ટીવીટી અમદાવાદથી છે. તો સુરતમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ છે જ નહીં. આમ ફ્લાઈટની ક્નેક્ટીવીટી પણ સુરતમાં ઘટે છે. ઓવરઓલ ટ્રાન્સપોર્ટેશનની સુવિધામાં અમદાવાદ આગળ છે, સુરત પાછળ છે કે રાખવામાં આવ્યું તે બીજા નંબરનો પ્રશ્ન છે.

ફૂડ: કહેવત તો છે સુરતનું જમણ અને કાશીનું મરણ. સુરત ખાણીપીણી માટે પ્રખ્યાત છે. લોચો, ખમણ, નાન ખટાઈ, ઘારી, લીલા લસણની આઈટમો જેવી અનેક વસ્તુઓ ત્યાંની ફેમસ છે.

અમદાવાદમાં પણ નવતાડના સમોસાથી લઈને પાણીપુરી, દાલવડા જેવી અનેક ફેમસ આઈટમો મળે છે. જો કે સમય જતાં અમદાવાદમાં પણ શોખીન વસ્તી વધી છે.

એકસમયે ખાણીપીણી માટે સૌથી વધુ ખર્ચ સુરત કરે છે તેમ કહેવાતું પણ અમદાવાદમાં પણ મોંઘીદાટ હોટલો અને કેફે ખુલી ગયા છે અને તે પણ સુરત કરતાં અનેકગણા વધારે. અમદાવાદ બહારથી અને ગુજરાત બહારની પબ્લિક મોટી સંખ્યામાં આવીને વસતા તેઓ ખાવાપીવામાં મોટો ખર્ચો કરી રહ્યા છે, એટલે આજકાલ અમદાવાદના દરેક કોમ્પ્લેક્ષમાં કે મેઈન રોડ પર ૧૦૦ મીટરના અંતરમાં કમસેકમ એક ખાણીપીણીની દુકાન કે લારી મળી જ જાય.

જો કે ક્વોલિટીની વાત કરીએ તો અમદાવાદમાં ખાણીપીણીનો ભાવ હવે સુરત કરતાં પણ વધી ગયો છે પરંતુ ક્વોલિટીમાં સુરતમાં ખાવાપીવાનું અમદાવાદથી ઓછા ભાવે પણ બેસ્ટ મળી રહે છે.

વધુ મળે કે ઓછું મળે પરંતુ જે કંઈપણ મળે છે તે સુરતમાં ટેસ્ટી અને પૈસા વસુલ મળે છે. ખાઈને છેતરાયાની ભાવના સુરતમાં નહીં થાય. અમદાવાદમાં ખાવાપીવા પાછળ લુંટાયા પછી પણ સંતોષ ના મળે તેવું ઘણીવાર બનશે. જો કે જબરદસ્ત અદ્વિતીય ભોજન પીરસતી રેસ્ટોરંટો અને કેફે અમદાવાદમાં ભલે વધારે છે પરંતુ તે દ્રષ્ટીએ બન્ને શહેરો વચ્ચે હરીફાઈ થઇ શકે નહીં.

રોજગાર: કોઇપણ શહેર માટે સૌથી મોટો અને મહત્વનો પ્રશ્ન રોજગાર હોય છે. શહેર તેના પર જ ટકેલું હોય છે. શહેર અને તેનો વિકાસ તેમજ પરિસ્થિતિ જોઇને જ ખ્યાલ આવી જશે કે ત્યાં ધંધા રોજગારની પરિસ્થિતિ કેવી હશે.

આમ તો અમદાવાદ અને સુરત બન્નેનો વિકાસ ઘણો થયો છે. પરંતુ આજના આપણા આ મુદ્દામાં કોઈ વ્યક્તિ ક્યાં રહેવું તેની પસંદ કરતો હોય છે તેમાં સૌથી મોટું અને મહત્વનું ફેક્ટર રોજગાર જ હોય છે. સૌનો અલ્ટીમેટ ગોલ કમાણીનો જ હોય છે.

તેમાં સૌથી પહેલા વાત કરીએ ધંધાની: સુરતમાં હીરા, ટેક્સટાઈલ અને તેને અંતર્ગત ધંધા મોટા પ્રમાણમાં વિકસેલા છે. હજીરાના પ્લાન્ટ મોટી કંપનીઓના છે તેથી તેની વાત અલગ છે. આ સિવાય સુરતમાં ખાણીપીણીનો ધંધો, રિયલ એસ્ટેટનો ધંધો પણ સારા પ્રમાણમાં વિકસેલો છે. આ ઉપરાંત ધંધો કરવા માટે વાત કરીએ તો મોજશોખની વસ્તુ / લકઝરીયસ વસ્તુઓ કે જે જીવન જરૂરી ના હોય તોયે તેની દુકાન કે શોરૂમ હોય તો તે પણ ધંધો પણ સુરતમાં સારો એવો ચાલે.

અમદાવાદની વાત કરીએ તો ટેક્સટાઈલ ઉપરાંત અનેક પ્રકારના ઉદ્યોગો ચાલે છે. ફૂડ, કેમિકલ, ફાર્માસ્યુટીકલ, ડેનિમ, મશીનરી, એન્જીનિયરીંગ, જેમ્સ એન્ડ જ્વેલરી, પ્લાસ્ટિક, પેપર, ઇલેક્ટ્રોનિક્સ, ડાયમંડ જેવા ઉદ્યોગો ધમધમે છે.

સુરત નજીક હજીરામાં રિલાયન્સ, એલ એન્ડ ટી, એસ્સાર, ઓએનજીસી, જીએસપીસી સહીતના અનેક પ્લાન્ટ્સ આવેલા છે. તો અમદાવાદમાં નિરમા, અદાણી, અરવિંદ, ઝાયડસ કેડિલા, ઇન્ટાસ, ટોરેન્ટ, રસના, રામદેવ મસાલા સહિતના ઉદ્યોગો આવેલા છે.

હવે વ્યવસાયની વાત કરીએ તો અમદાવાદમાં આઈટીનો વ્યવસાય ઘણો વિકસ્યો છે, આ ઉપરાંત પ્રોફેશનલ સર્વિસીસ ઘણી વિકસી છે જયારે કે સુરત વ્યવસાય એટલે કે સર્વિસ સેક્ટરમાં હજુ ઘણું પાછળ છે.

અમદાવાદમાં ઉપર દર્શાવેલ ઉદ્યોગો ઉપરાંતની મલ્ટીનેશનલ કંપનીઓની હેડ ઓફિસીસ આવેલી છે, બ્રાંચ ઓફિસો, ગુજરાતની રીજનલ ઓફિસો, સરકારી મુખ્યાલયો સહીત કોર્પોરેટ સેક્ટર વિકસેલું છે જયારે સુરત ધંધા માટે શ્રેષ્ઠ છે તેમજ નોકરીમાં ય ડાયમંડ અને ટેક્સટાઈલ સિવાયની નોકરીઓ ઘણી ઓછી છે.

જેથી ભણેલા ગણેલા લોકો માટે અમદાવાદમાં સ્કોપ ઘણો છે, અમદાવાદમાં દરેક પ્રકારના લોકોને કોઈ ને કોઈ નોકરી તો મળી જ જાય, આ ઉપરાંત અમદાવાદમાં નોકરી કરવામાં પગારધોરણ પણ સુરતની સરખામણીએ સારું છે.

તો જો બચતની વાત કરીએ તો અમદાવાદ સેવિંગ કરવામાં દેશમાં ટોચના ક્રમે છે જયારે સુરતીઓ પૈસા વાપરવામાં અને મોજશોખમાં વધારે ખર્ચા કરે છે. મોજશોખ અને ખર્ચા કરવામાં અમદાવાદમાં ય મોટો વર્ગ માને છે પરંતુ સાથે સાથે કરકસરથી જીવે પણ છે, પૈસાની સામે જોવે પણ છે.

જેથી મંદીના સમયે અમદાવાદને સુરતની સરખામણીમાં ઘણી ઓછી અસર થાય છે. હોય એટલું વાપરી નહીં નાખવામાં અમદાવાદીઓ માને છે અને તેથી સારા કે ખોટા સમયે પણ તકલીફમાં મુકાવાનું નથી આવતું.

શિક્ષણ: ઉચ્ચ શિક્ષણમાં હવે સુરતનું પણ નામ ચમકવા તો લાગ્યું જ છે પરંતુ અમદાવાદ શિક્ષણ મેળવવા માટે ગુજરાત નહીં પણ રાજ્ય બહારના લોકો માટે પણ પસંદગીનું ડેસ્ટીનેશન છે. સુરતમાં દક્ષિણ ગુજરાત યુનીવર્સીટી, SVNIT, AURO યુનીવર્સીટી, ઇન્ડીયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ફર્મેશન ટેકનોલોજી સહિતના ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાનો આવેલા છે.

તો અમદાવાદમાં ગુજરાત યુનીવર્સીટી, વિશ્વ વિખ્યાત આઈ.આઈ.એમ, આઈ.આઈ.ટી., એન.આઈ.ડી., સેપ્ટ, NIFT, નિરમા યુનીવર્સીટી, જીટીયુ, અમદાવાદ યુનીવર્સીટી, ઇગ્નુ, બાબાસાહેબ આંબેડકર ઓપન યુનીવર્સીટી, ગુજરાત વિદ્યાપીઠ, MICA, GNLU, PDPU સહીત ઢગલાબંધ પ્રાઈવેટ અને સરકારી શૈક્ષણિક સંસ્થાનો આવેલા છે.

શિક્ષણના ક્ષેત્રે અમદાવાદમાં દુર દુરથી લોકો આવે છે, આર્ટસ, કોમર્સ, સાયન્સ, મેડીકલ, ઈજનેરી, પ્રોફેશનલ, સરકારી પરીક્ષાની તૈયારીના કેન્દ્રો સહીત દરેક પ્રકારના શિક્ષણ અને તાલીમ માટેના વિકલ્પો અમદાવાદમાં છે. ઈસરો, અટીરા, પી.આર.એલ. સહીતની મહત્વના સેન્ટર્સ પણ આવેલા છે. જયારે સુરતમાં હજુ શિક્ષણનું ક્ષેત્ર તુલનાત્મક દ્રષ્ટીએ ઘણું ઓછું વિકસ્યું છે.

ઈન્ફ્રાસ્ટ્રક્ચર: આ દ્રષ્ટીએ સુરત અને અમદાવાદની સરખામણી ઘણી અઘરી પડી જાય પણ તેમાં જો અલગ અલગ રીતે તુલના કરી શકાય. શહેરમાં માળખાગત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી શ્રેષ્ઠ હશે જયારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો સમગ્ર દેશમાં ઉતરતી કક્ષાની છે.

અમદાવાદમાં રોડ રસ્તાથી લઈને સ્વચ્છતા સુધીની કામગીરીમાં સરકાર આ શહેરને દેશભરમાં લાંછનરૂપ કામગીરી કરી રહી છે. સારામાં સારા વિસ્તારમાં પણ રસ્તાના ઠેકાણા નથી હોતા તો રસ્તાની સુવિધા પણ થતી નથી.

સ્વચ્છતાની દ્રષ્ટીએ અમદાવાદ દેશમાં છેલ્લા નંબરે હોવું જોઈએ, ચારેકોર રસ્તાઓ પર ધૂળ ઉડતી હોય છે જેથી લોકોની સ્કીન અને વાળમાં તેમજ આંખો અને શ્વાસમાં તકલીફ થાય, સાથે સાથે શહેર ચોખ્ખું પણ ના દેખાય, આ ઉપરાંત ઠેર ઠેર ગંદકીના ઢગલા દેખાય. રસ્તા પર કચરાપેટીઓ ગંદકીથી છલકાતી હોય અને તંત્રને કઈ પડી ના હોય.

આ ઉપરાંત કોઇપણ રસ્તે રખડતા ઢોર જોવા મળી જાય, ચાલતા ટ્રાફિકમાં અચાનક રસ્તાઓ પર ભુવા પડી જાય, દસ ફૂટના રોડનું રીપેરીંગ મહિનાઓ સુધી ચાલે, શહેરી વિસ્તારોમાં પાણી કાપ આવે, સિટી બસ સેવા અગાઉની દ્રષ્ટીએ કથળતી જાય છે, ફૂટપાથથી લઈને સ્ટ્રીટ લાઈટ સુધીનું તંત્ર ઠેકાણા વગરનું જ ચાલે છે. તો ટ્રાફિકની સમસ્યાનું કોઈ નિરાકરણ નથી. આડેધડ ફૂટપાથ અને અલગ અલગ ટ્રેક બનાવીને લોકોની મુશ્કેલીઓ વધારાય છે.

જયારે કે સુરતમાં રસ્તા એકદમ સ્વચ્છ હોય છે, રસ્તા પહોળા અને ખુલ્લા હોય છે, આ ઉપરાંત ખાડા અને અવ્યવસ્થિત રસ્તા ઘણા ઓછા જોવા મળે. સુરતમાં કમસેકમ મુખ્ય રસ્તાઓ તો વ્યવસ્થિત છે જયારે કે અમદાવાદમાં મૂક્ય રસ્તાઓ તો ઠીક પણ એસ.જી. હાઈવે પણ ઉબડખાબડ જોવા મળે છે, કચરાના નિકાલ સહીત ગંદકીમુક્ત રાખવાની પણ કામગીરી તંત્રની નોંધનીય છે.

આ ઉપરાંત સુરતમાં ટ્રાફિકની સમસ્યા તુલનાત્મક રીતે ઘણી ઓછી છે. સુરતમાં ઓવર બ્રિજો ઘણી મોટી સંખ્યામાં છે તેથી ટ્રાફિકની મોટી સમસ્યાથી સુરતને મુક્તિ મળી શકી છે. જો કે બીજું નુકસાન તે છે કે તેના કારણે સુરતમાં માર્કેટ દબાઈ જાય છે. જંકશન પર આવેલ દુકાનો અને શોરૂમો દબાઈ જાય છે.

પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર સિવાયની વાત કરીએ તો અમદાવાદ છેલ્લા પાંચ વર્ષમાં આ મામલે ઘણું આગળ નીકળી ગયું છે, અગાઉ સુરતમાં નોખી અનોખી બિલ્ડીંગો જોવા મળતી પણ હવે અમદાવાદ તેમાં આગળ છે. રેસીડેન્શિયલમાં સુરતમાં હજુ ઘણા પોશ અને યુનિક એપાર્ટમેન્ટ બની રહ્યા છે, જયારે કે અમદાવાદમાં કમર્શિયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં વિવિધતા જોવા મળે છે.

હાઈરાઈઝ બિલ્ડીંગોને અમદાવાદમાં મંજુરી મળવા લાગતા આજે એસપી રિંગ રોડ, ઇસ્કોન આંબલી રોડ, એસજી હાઇવે, આશ્રમ રોડ સહિતના વિસ્તારોમાં ૧૮ થી ૨૮ માળ સુધીની બિલ્ડીંગો જોવા મળે છે.

કમર્શિયલ અને પ્રાઈવેટમાં ઉંચી બિલ્ડીંગોનો ક્રેઝ વધ્યો છે. સુરતમાં ૧૦ થી ૧૨ કરોડ સુધીના તો અમદાવાદમાં ૧૬ કરોડ સુધીના અપાર્ટમેન્ટ મળે છે. અમદાવાદમાં કંપનીઓ અને પ્રોફેશનલ સર્વિસીસ મોટા પ્રમાણમાં હોવાથી કોમર્શિયલ પ્રોપર્ટીનું સેક્ટર ઘણું વિકસ્યું છે. કોર્પોરેટ રોડ, સિંધુ ભવન રોડ, એસજી હાઈવે, આશ્રમ રોડ જેવા અનેક વિસ્તારો ફક્ત કમર્શિયલ પ્રોપર્ટીથી જ વિકસેલા જોવા મળે છે. તો સુરતમાં કમર્શિયલનું ચલણ ઘણું ઓછું છે અને રેસીડેન્શિયલમાં રહેવા તેમજ ઇન્વેસ્ટમેન્ટ માટે મોટા પ્રમાણમાં પ્રોપર્ટીઝનું ચલણ જોવા મળે છે.

આરોગ્ય: સુરતમાં સિવિલ હોસ્પિટલ ઉપરાંત કિરણ, શેલ્બી, આનંદ, મહાવીર, પ્રમુખ સ્વામી હોસ્પિટલ, સનશાઈન સહીતની હોસ્પિટલો આવેલી છે. અમદાવાદમાં એશિયાનો સૌથી મોટી અસારવા સિવિલ, સોલા સિવિલ, વીએસ હોસ્પિટલ, શારદાબેન હોસ્પિટલ, એલજી હોસ્પિટલ જેવી સરકારી અને મ્યુનિસિપલની હોસ્પિટલો છે.

તો ગુજરાતની સૌથી મોટી પ્રાઈવેટ ઝાયડસ હોસ્પિટલ, સાલ હોસ્પિટલ, શેલ્બી હોસ્પિટલ, સિમ્સ, અપોલો, એચ.સી.જી., સ્ટરલિંગ, ક્રિશ્ના હાર્ટ હોસ્પિટલ, સંજીવની, નારાયણા, કોલંબિયા એશિયા હોસ્પિટલ, દેવસ્ય, એપેક્ષ હોસ્પિટલ, રાજસ્થાન હોસ્પિટલ, સેવિયર, નિધિ, સામવેદ, BAPS, SGVP, કે.ડી. હોસ્પિટલ સહિતની અનેક મોટી હોસ્પિટલો આવેલી છે. અમદાવાદ સ્વાસ્થ્ય સુવિધામાં પણ ઘણું પ્રખ્યાત છે. ગુજરાત ઉપરાંત દેશ અને દુનિયાથી ગુજરાતમાં સારવાર કરાવવા દુર દુરથી લોકો અમદાવાદ આવે છે.

હરવા ફરવાના સ્થળો: સુરત દરિયાકિનારે આવેલું શહેર છે ત્યાં હરવા ફરવા માટે વિખ્યાત ડુમસનો બીચ આવેલ છે, શહેરમાં ચોપાટી, ગોપી તળાવ જેવા સ્થળો છે. VIP રોડ, યુનીવર્સીટી રોડ, પિપલોદ, ડુમસ રોડ જેવા પોશ રસ્તા આવેલા છે. વી.આર. મોલ, રાહુલરાજ મોલ, ઇસ્કોન મોલ જેવા મોલ આવેલા છે.

આ ઉપરાંત નજીકમાં દાંડી, સાપુતારા, તિથલ, ડાંગના જંગલ સહિતના સ્થળો આવેલા છે. સુરતમાં ટીજીબી, ગેટવે, લોર્ડ્ઝ, કોર્ટયાર્ડ મેરિયેટ, બેલેવ્યુ, સિફત સહિતની લકઝરીયસ હોટલો આવેલી છે.

અમદાવાદમાં કાંકરિયા, રિવરફ્રન્ટ, અડાલજની વાવ, સરખેજ રોજા, માણેકચોક, રાણીની હજીરો, ગાંધી આશ્રમ, નરોડા તળાવ, લાલદરવાજા, લો ગાર્ડન, અક્ષરધામ અને ઇન્દ્રોડા પાર્ક (ગાંધીનગર), સાયન્સસિટી, વસ્ત્રાપુર લેક, કેમ્પ હનુમાન, વૈષ્ણોદેવી મંદિર, સિંધુ ભવન રોડ, એસ.જી. રોડ પર રાત્રે રસ્તાની સાઈડમાં બેસવું, જજીસ બંગલોઝ રોડ, આનંદનગર રોડ, સીજી રોડ જેવા મોડી રાત સુધી ધમધમતા રહેતા સ્થળો છે. અમદાવાદ (આલ્ફા) વન, ઇસ્કોન, ગુલમહોર, સેન્ટ્રલ મોલ, બાલાજી અગોરા, હિમાલયા, જેવા શોપિંગ મોલ આવેલા છે.

આ ઉપરાંત નજીકમાં પોલો ફોરેસ્ટ, નળ સરોવર, આબુ, ઉદયપુર સહિતના સ્થળો આવેલા છે. અમદાવાદમાં હયાત, હયાત રિજન્સી, ક્રાઉન પ્લાઝા, નોવોટેલ, રમાડા, કોર્ટયાર્ડ મેરિયેટ, રેડીસન બ્લ્યુ, ધ ઉમેદ, ફોર્ચ્યુન લેન્ડમાર્ક, ગ્રાન્ડ O7, ધ ફર્ન, કેમ્બે, અલોફ્ટ, રિનાઈસંસ, કન્ટ્રી ઇન, રીજંટા, ફોર પોઈન્ટ્સ શેરેટોન સહિતની લકઝરીયસ હોટલો આવેલી છે. કર્ણાવતી, રાજપથ, YMCA, O7, ઓરીયેન્ટ જેવી ક્લબો આવેલી છે.

સુરતમાં ડાયમંડ બુર્સનો મોટો સરકારી પ્રોજેક્ટ મુકવામાં આવ્યો છે તો અમદાવાદ પાસે ગિફ્ટ સિટીનો પ્રોજેક્ટ વર્ષોથી બસ ચાલી જ રહ્યો છે, હવે એતો ક્યારે પૂરો થાય તે જોવું રહ્યું.

આમ આપણે અમદાવાદ અને સુરત શહેરની અનેક અલગ અલગ રીતે તુલના કરી, જેમાં આપણે મોટાભાગના ફેક્ટર જોયા, પરીસ્થિતિ જોઈ. બન્ને શહેરોના ઊંડા અભ્યાસ બાદની બધા પ્રકારની વાત જાણી.

ત્યારે પસંદગી વ્યક્તિ પોતાની જરૂર પ્રમાણે, પોતાની લાઈફસ્ટાઈલ, જરૂર પ્રમાણે કરી શકે છે. અમદાવાદ સૌથી મોટું શહેર છે એટલે અહીનો વિસ્તાર, વસ્તી, ઈકોનોમી મોટા હોય. સેન્ટરમાં છે એટલે રીજનલ ઓફિસો આવેલી છે, સર્વિસ સેક્ટર વિકસેલું છે. જયારે કે ડાયમંડ અને ટેક્સટાઈલ સિટી સુરતમાં વેપાર ધંધો વધારે વિકસેલો છે.

By Editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *