ગુજરાતમાં પાછલા કેટલાક વર્ષોમાં મોલ કલ્ચર વિકસ્યું છે. પહેલા સુપરમાર્કેટમાં હાઈપ્રોફાઈલ લોકો ખરીદી કરતા હતા ત્યારે હવે તેનું સ્થાન શોપિંગ મોલોએ લીધું છે. ગુજરાતના અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ જેવા શહેરોમાં અનેક મોલ આવેલા છે. ત્યારે હવે ગુજરાતનો સૌથી મોટો મોલ અમદાવાદમાં આવી રહ્યો છે. અમદાવાદના પોશ કહેવાતા એસ.જી. હાઈવે પર ઝાયડસ ક્રોસ રોડ્સ નજીક આ મોલ બની રહ્યો છે.
મુંબઈના ફિનિક્સ ગ્રુપ દ્વારા અમદાવાદના બી સફલ ગ્રુપ સાથે ૧ હજાર કરોડના શોપિંગ મોલ માટે ડીલ કરી છે. કહેવાય છે તે અનુસાર ૯ લાખ સ્ક્વેર ફૂટ કરતાં પણ મોટા બાંધકામ સાથે આ મોલ બનાવવામાં આવશે. તેના માટે ૨૫ હજાર ચોરસ વાર જમીનનો ઉપયોગ થશે. થોડાંક સમય અગાઉ અમદાવાદ એજ્યુકેશન સોસાયટી (AES) દ્વારા ઓકશનમાં મુકવામાં આવેલી વિશાળ જમીન બી. સફલ દ્વારા ખરીદવામાં આવી હતી.
તે જમીનની કિંમત ૩૫૦ કરોડ જેવી થવા જાય છે, જેમાં સ્ટેમ્પ ડ્યુટી તેમજ રજિસ્ટ્રેશન ખર્ચ પણ આવી જાય છે. આ જમીન રેસીડેન્શિયલ – ૧ ઝોન એટલે કે R1 ઝોનમાં આવે છે જેથી આ જમીન પરના પ્રોજેક્ટના ૨.૭ FSI (ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ) મળે છે, જેમાં બહુમાળી ઈમારત બનાવી શકાય.
આ ઉપરાંત જો બિલ્ડર TDR નો ઉપયોગ કરશે તો તે વધુ ઊંચાઈનું બાંધકામ કરી શકે છે. આ પ્રોજેક્ટમાં B સફલ દ્વારા ૯ લાખ સ્ક્વેર ફીટના મોલ તેમજ મલ્ટીપ્લેક્સનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે. તેમજ મુંબઈની પ્રખ્યાત ફિનિક્સ મિલ્સ લિમિટેડ આ પ્રિમીયમ મોલનું મેનેજમેન્ટ અને સંચાલન કરશે.
જેમાંથી લગભગ ૬ લાખ સ્ક્વેર ફૂટ જગ્યા લીઝ પર આપવામાં આવશે અને બાકીની જગ્યા પાર્કિંગ સહિતની સુવિધાઓ માટે વાપરવામાં આવશે.તો મોલને મુંબઈના પેલેડીયમ મોલની પેટર્ન પર બનાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ મોલનું કામકાજ ખુબજ ઝડપથી ચાલી રહ્યું છે અને મોટાભાગનું બાંધકામ કાર્ય થઇ ગયું છે.
બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં ફિનિક્સ કંપનીએ આપેલા નિવેદન અનુસાર, ‘તેમણે ૨૧ જુલાઈ, ૨૦૧૮ ના રોજ અમદાવાદના B સફલ ગ્રુપ સાથે શોપિંગ મોલની ૫.૧૬ એકર (૨૫ હજાર સ્ક્વેર ફૂટ) જમીન, બાંધકામ, સંચાલન અને મેનેજમેન્ટના ૫૦ – ૫૦ ટકાના ભાગીદારના કરારમાં આવ્યા છે. આ શોપિંગ મોલ શહેરના અતિ વ્યસ્ત જંકશન પર આવી રહ્યો છે તેથી ટ્રાફિકના પણ પ્રશ્નોનો કોઈ માર્ગ શોધવો પડશે.
એ – ગ્રેડનું સ્થાન ધરાવતા ફિનિક્સ લિમિટેડ સાથે બી. સફલના આયોજન બાદ કહેવાઈ રહ્યું છે કે, આ પ્રિમીયમ શોપિંગ મોલની ડિઝાઈન અલગ જ પ્રકારની હશે તેમજ તેમાં ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક બ્રાન્ડ્સના સ્ટોર્સ ખુલશે. નજીકના સમયમાં બન્ને ગ્રુપ દ્વારા પ્રોજેક્ટની બ્લુપ્રિન્ટ ફાઈનલ થઇ કરી તેનું કામકાજ શરુ કરી દેવામાં આવ્યું છે.
આ શોપિંગ મોલનું સ્થળ આયોજનપૂર્વક નક્કી કરવામાં આવ્યું છે, ત્યાંથી આસપાસ થલતેજ, શિલજ – જ્યાં નેતાઓ અને ઉદ્યોગપતિઓના નિવાસસ્થાન છે, હેબતપુર, બોપલ, સાયન્સ સિટી રોડ, સિંધુ ભવન રોડ, બોડકદેવ, એસ.પી રીંગ રોડ, સોલા, વસ્ત્રાપુર, ઇસ્કોન સહીત એસ.જી. હાઈવેની કનેક્ટિવિટી છે.
તો પહેલેથી બેસ્ટ લોકાલીટી ગણાતા આ વિસ્તારમાં સીમા ચિન્હ રૂપ શોપિંગ મોલના પ્રોજેક્ટ્સથી પ્રોપર્ટીઝની ડીમાંડ વધારે મોટી સંખ્યામાં થશે તેમજ આસપાસના વિસ્તારોમાં પણ જમીન અને પ્રોપર્ટીના ભાવમાં તેજી આવશે તેવું કહેવાઈ રહ્યું છે.
હાલમાં અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલો અમદાવાદ વન (અગાઉ જે આલ્ફા વન કહેવતો) મોલ ગુજરાતનો સૌથી વિશાળ શોપિંગ મોલ છે. જે ૭.૦૬ લાખ સ્ક્વેર ફૂટ જગ્યા પર પથરાયેલો છે જો કે તેનું પણ એક્સપાન્શન કરવામાં આવ્યું છે, ત્યારબાદ સુરતના ડુમસ રોડ, મગદલ્લામાં આવેલો VR મોલ છે જે ૬ લાખ સ્ક્વેર ફૂટ જગ્યા પર પથરાયેલો છે, ત્યારબાદ અમદાવાદનો ઇસ્કોન મેગા મોલ આવે છે જે ૪.૫૦ લાખ સ્ક્વેર ફૂટ જગ્યામાં ફેલાયેલો છે.